ભારે વરસાદ અને પૂરથી 8 રાજ્યોમાં તારાજી સર્જાઈ ઃ 50થી વધુનાં મોત

Wednesday 24th August 2022 07:23 EDT
 
 

દહેરાદૂનઃ દેશના ઉત્તરનાં રાજ્યો હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ. ઉત્તરપ્રદેશ, ઓડિશા સહિત 8 રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદે તારાજી સર્જી છે. પહાડોથી મેદાનો સુધી અને હિમાચલથી માંડીને યુપી સુધી વરસાદ અને પૂરે હાહાકાર મચાવ્યો છે. જેને કારણે 50થી વધુ લોકોનાં મોત થયાં છે. 20થી વધુ લોકો લાપતા થયા છે. ભૂસ્ખલનને કારણે રસ્તા તૂટી ગયા છે. અનેક લોકોનાં ઘર તણાઈ ગયાં છે. વૃક્ષો પડી ગયાં છે. ખેતરોમાં ઊભો પાક ધોવાઈ ગયો છે. કરોડોનું નુકસાન થયું છે. રસ્તાઓ તૂટી જતા ઠેકઠેકાણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઓડિશામાં ભારે વરસાદથી મહાનદી અને તેની પ્રશાખાઓ ગાંડીતૂર થઈ છે. 10 જિલ્લાના 763 ગામના 8 લાખ લોકો પ્રભાવિત થયા છે. નીચણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાયા છે. ચક્રવાતી તોફાનને કારણે પ્રતાપગઢ અને કૌશાંબીમાં તબાહી મચી છે.
ઝારખંડમાં 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. મોટાભાગની નદીઓ છલકાઈ ગઈ છે. વરસાદે 4નો ભોગ લીધો છે, 7 લોકો તણાયા છે. વીજળી પુરવઠો ખોરવાયો છે. રાંચીથી 8 ફ્લાઈટ્સ રદ કરાઈ છે. 5ને ડાઈવર્ટ કરાઈ છે.


comments powered by Disqus